આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનલ મેસી આજે 13 ડિસેમ્બરથી ભારતના પ્રવાસે છે. મેસી છેલ્લા 14 વર્ષમાં પહેલી વખત ભારતનો પ્રવાસ કરી રહ્યા છે જેની શરૂઆત તેમણે કોલકાતાથી કરી હતી. પણ ત્યાં અનુભવ કડવો રહ્યો હતો. સોલ્ટ લેક સ્ટેડિયમમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી, જેના કારણે તેમને માત્ર 22 મિનિટ પછી જ ત્યાંથી નીકળી જવાની ફરજ પડી હતી.
મેસીએ મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સાથે ફૂટબોલની મજા માણી
જે બાદ તે તેલંગાણાના હૈદરાબાદ પહોંચ્યા હતા. જ્યાં તેમણે મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સાથે ફૂટબોલની મજા માણી હતી અને બાળકો સાથે મસ્તી કરી હતી. જેના ફોટા રાહુલ ગાંધીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા. લુઇસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલે પણ હૈદરાબાદમાં મેસી સાથે મજા કરી હતી. અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.
સ્પેનિશમાં ચાહકોનો આભાર માન્યો
લિયોનેલ મેસ્સી રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં થોડા મોડા પહોંચ્યા હતા. પરંતુ આવતાની સાથે જ ચાહકોનું ઉષ્માભર્યું અભિવાદન કરતાં જ હાજર સૌ કોઈમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. ત્રણેય ફૂટબોલરોએ બાળકો સાથે ખૂબ મસ્તી પણ કરી. હૈદરાબાદ છોડતી વખતે, મેસીએ આયોજકોને આર્જેન્ટિના ફૂટબોલ જર્સી ભેટમાં આપી અને સ્પેનિશમાં ચાહકોનો આભાર માન્યો હતો.
લિયોનેલ મેસ્સીએ રાહુલ ગાંધીને ભેટ આપ્યું ટી-શર્ટ
રાહુલ ગાંધીએ પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લિયોનેલ મેસ્સી સાથેના ફોટા શેર કર્યા છે. તેમણે સૌપ્રથમ એક વીડિયો ક્લિપ શેર કરી છે જેમાં તેઓ લિયોનેલ મેસ્સી, રોડ્રિગો ડી પોલ અને લુઈસ સુઆરેઝ સાથે ચાલતા અને વાતચીત કરતા જોવા મળે છે, તેઓએ સાથે ફોટોશૂટ માટે પોઝ પણ આપ્યો હતો. બીજા એક ફોટામાં, લિયોનેલ મેસ્સી તેમને ટી-શર્ટ ભેટ આપતા જોવા મળે છે.




